Monday, March 31, 2014

દરેક વ્યક્તિ-વસ્તુમાં સંગીત છે

પંડિત રાજ મિશ્રા અને  પંડિત સાજન  મિશ્રા
પદ્મભૂષણ પંડિત રાજન મિશ્રા અને સાજન મિશ્રા ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ઘણાં જાણીતા નામો છે. નાનપણથી રાગ ખ્યાલની જુગલબંદી કરતા આ બે ગાયક ભાઈઓએ બનારસ ઘરાના અને આપણા દેશને આંતરરાષ્ટ્રીય મંચ પર ઘણી ખ્યાતિ અપાવી છે. તેઓ પંડિત ઓમકારનાથને તેમના ગુરુતુલ્ય માને છે. ગુજરાત સરકારે તેમને પંડિત ઓમકારનાથ સંગીત સન્માનથી નવાજ્યા છે, જેને તેઓ તેમના જીવનની ઘણી મોટી ઉપલબ્ધિ જણાવે છે. તેઓ છેલ્લા પિસતાળીસ વર્ષથી સંગીતની સાધના કરી રહ્યા છે. આ ગાયક બેલડીના વડીલ બંધુ એટલે કે રાજન મિશ્રાએ ‘ગુજરાત ગાર્ડિયન’ સાથે તેમના સંગીત અને અનુભવો વિશેની કેટલીક રસપ્રદ વાતો કરી હતી, જેના અંશો અત્રે પ્રસ્તુત છેઃ

તમે સાથે ગાવાનો નિર્ણય કેમ કર્યો? અને એની શરૂઆત ક્યારે કરી?

બનારસ ઘરાનામાં જુગલબંદીમાં ગાવાની પરંપરા ઘણી જૂની છે. છેલ્લા દોઢસો-બસો વર્ષોથી બનારસમાં જુગલબંદીમાં ગાવાની પ્રથા છે. જેમકે અમારા પહેલા પ્રસિદ્ધુ અને મનોહરજી તેમજ શિવા પશુપતિ અને અમરનાથ પશુપતિ પણ જુગલબંદીમાં જ સાધના કરતા. અમારા ગુરુ એટલે કે અમારા પિતા પંડિત હનુમાન મિશ્રાજી અને અમારા કાકા પંડિત ગોપાલ મિશ્રાજીની પણ ઘણી ઈચ્છા હતી કે અમે બંને ભાઈઓ જુગલબંદીમાં ગાઈએ. આથી નાનપણથી જ અમે જુગલબંદી શરૂ કરી. ઉપરાંત અમારા વડીલોનું વિઝન એવું હતું કે અમે સાથે ગાઈશું તો જ એક રહી શકીશું. તેમના એ વિઝનને કારણે આજે અમારા બંને ભાઈઓનું રસોડું એક જ છે.

તમારામાંથી કોઈએ પણ સોલો પરફોર્મન્સ આપ્યું છે? કેમ?

ના, અમે સોલો પરફોર્મન્સ નથી આપ્યું. વર્ષોથી સાથે ગાતા રહેવાને કારણે અમારા શરીર ભલે અલગ હોય, પરંતુ અમારો આત્મા એક બની ગયો છે. અમે બાળપણથી જ એકબીજાના સોલમેટ રહ્યા છીએ. આથી સોલો પરફોર્મન્સ આપવાનો કોઈ પ્રશ્ન જ નથી ઊઠતો.

આટલા વાર્ષોની જુગલબંદીમાં તમારી વચ્ચે ક્યારેય અહંનો ટકરાવ થયો છે?

ના, ક્યારેય નહીં. કારણ કે અમને બાળપણથી જ એ પ્રકારના સંસ્કાર આપવામાં આવ્યા છે. અમે બાળપણમાં એ જોયેલું કે અમારા પિતા અને કાકા હંમેશાં એકબીજાની અદબ જાળવતા. અમારા કાકા પંડિત ગોપાલ મિશ્રાજી આંતરરાષ્ટ્રીય કક્ષાના સારંગીવાદક હતા, છતાં પણ એમણે એમના મોટા ભાઈની એટલે કે અમારા પિતાની આંખમાં આંખ નાંખીને વાત કરી નથી. આ તો ઠીક તેમણે મારા પિતા સાથે ક્યારેય ઊંચા અવાજે વાત પણ નથી કરી. આથી અમે ઘરમાં બાળપણથી શિસ્ત અને પ્રેમનું વાતાવરણ જોયું છે અને જ્યાં પ્રેમને અવકાશ હોય ત્યાં અહં આપોઆપ ઓગળી જતો હોય છે. આથી અમારી આટલા વર્ષોની યાદગાર યાત્રામાં આમારી વચ્ચે ક્યારેય આવી ક્ષુલ્લક પરિસ્થિતિનું નિર્માણ થયું નથી.

તમારું કુટુંબ ૩૦૦ વર્ષથી સંગીત સાથે સંકળાયેલું છે. શું તમારા પછીની પેઢી પણ તમારો વારસો બરકરાર રાખી રહી છે?

સંગીત સાથે અમે ત્રણસોથી વધુ વર્ષોથી સંકળાયેલા છે. મને એ કહેતા ખૂબ જ ગર્વ થાય છે કે અમારા બાદની પેઢી પણ અમારો વારસો જાળવી રહી છે. મારા બે પુત્રો રિતેશ મિશ્રા અને રજનીશ મિશ્રા બંને ખૂબ જ સારું ગાય છે અને અમારા બે ભાઈઓની જેમ જ તેઓ પણ જુગલબંદીમાં ગાય છે. થોડાં સમય પહેલા તેઓ પણ સુરતમાં એમનું પરફોર્મન્સ આપી ગયા હતા.

તમારા ‘ખ્યાલ’ રાગ વિશે અમારા વાચકોને થોડું જણાવો.

મૂળતઃ ‘ખ્યાલ શબ્દ પર્શિયન શબ્દ છે. ખ્યાલનો અર્થ થાય છે તમારા મનમાં ચાલી રહેલો કોઈ વિચાર. અહીં તમને જે પદ્ય અથવા કવિતા આપવામાં આવે છે તેને તમે કેટલું લંબાવી શકો છો અથવા તેને કેટલા સમય સુધી ગાઓ છો એ મહત્ત્વનું છે. તમને આપવામાં આવેલી પંક્તિઓનું આ રીતનું વિસ્તરણ તમારા અનુભવ અને શિક્ષણ પર આધાર રાખે છે. અમારા ગીતને તમે ઝીણવટથી સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે અમે અમારા ગીતમાં માત્ર ચાર જ લાઈન ગાતા હોઈએ છીએ. બે લાઈન અંતરાની અને બે લાઈન અસ્થાઈની, પણ અમે એ પંક્તિઓને એકથી દોઢ કલાક સુધી ગાઈએ છીએ. આમ, આને જ ખ્યાલ કહેવામાં આવે છે. ખ્યાલનો અર્થ ઈમ્પ્રુવાઈઝેશન પણ કરી શકાય. જેમકે એક પંક્તિ છે, ‘જીનકે મન રામ બિરાજે..’ તો રાગ ખ્યાલમાં તમે આ એક જ પંક્તિને અલગ અલગ પ્રકારે વિવિધ ભાવોથી ગાઈ શકો છો. રાગ ખ્યાલ વિશે ટૂંકમાં તમને કહું તો જેમ એક વસ્તુને જોયા પછી આપણા મનમાં અલગ અલગ વિચાર આવે એમ ખ્યાલમાં એક જ પંક્તિ માટે અલગ અલગ રાગ હોય છે!

તમારા માટે સંગીતની ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા શું છે?

જુઓ નાદભ્રમથી જ આખી સૃષ્ટિની ઉત્પત્તિ થયેલી છે. આથી સંગીતની આનાથી મોટી કોઈ વ્યાખ્યા નથી. કારણ કે દરેક વ્યક્તિ કે વસ્તુમાં એક સંગીત રહેલું હોય છે. તમે ઝીણવટથી ધ્યાન આપશો તો તમને આપણાં શરીરમાં પણ સંગીત સંભળાશે, જેમકે આપણું હૃદય અને નાડીઓ એક રિધમમાં ધબકે છે તો આપણી વાણીમાં હંમેશાં એક સૂર હોય છે! આથી મારું તો એમ માનવું છે કે આપણાં બ્રહ્માંડમાં કોઈ પણ જીવ સંગીતથી અલગ નથી. આપણી આખી કોસ્મિક એનર્જી સંગીતમાં જ ચાલી રહી છે.
પંડિત રાજન મિશ્રા

તમારા જીવનમાં વારાણસી શું મહત્ત્વ ધરાવે છે?

વારાણસી વિશ્વનું સૌથી પ્રાચીન નગર છે એ તો બધા જ જાણે છે. કાશીનો ચૌદથી પંદર હજાર વર્ષનો ઈતિહાસ છે અને ગંગાના સૌંદર્ય અને વિશ્વનાથ શિવને કારણે દેશના દરેક પ્રાંતમાંથી લોકો અહીં આવીને વસ્યા છે. અહીં ચારસો-પાંચસો વર્ષોથી કેટલાક ગુજરાતી પરિવારો પણ વસે છે અને તમને એ જાણીને ખુશી થશે કે આજના સમયમાં બનારસનો ખરો વારસો ત્યાંના ગુજરાતીઓએ જ જાળવી રાખ્યો છે. તેમની નવી પેઢી હવે ગુજરાતી બોલવાનું પણ ભૂલી ગઇ છે અને પૂરેપૂરી બનારસના રંગે રંગાઇ ગઈ છે. આજે કાશીનું સંગીત વિશ્વભરમાં વખણાય છે એનું કારણ શું? કારણ કે કાશીના સંગીતમાં ભારતભરના લોકોનું યોગદાન છે. દેશમાં બનારસ ઘરાના એક માત્ર એવું કેન્દ્ર છે, જ્યાં ઠુમરી, ટપ્પા, કજરી અને ચૈતી જેવા વિવિધ પ્રબંધ ગાન, નિબંધ ગાન અને છંદ ગાનની પરંપરા રહી છે. આ કારણે અહીંના સંગીતને ‘ચારોપથ’ કહેવામાં આવે છે એટલે કે કાશીનું સંગીત મલ્ટી ડાયમેન્શનલ રહ્યું છે.

સ્માર્ટ ફોન આવ્યા પછી ઘણાં સંગીતકારો મ્યુઝિક માટેની એપ્લિકેશન્સનો ઉપયોગ કરે છે. તમે આવી એપ્સનો ઉપયોગ કરો ખરા?

આજે તો આ ટેક્નોલોજીને કારણે આપણે મોબાઈલમાં પણ તબલા અને તાનપૂરો વગાડી શકીએ છીએ. ટ્રાવેલિંગ દરમિયાન આ સુવિધાનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ હું સંગીત સાધનાની આ પદ્ધતિની જરાય તરફેણમાં નથી. કારણકે આ રીતે તમે સાધના કરશો તો તમે સૂરોમાં ક્યારેય મહારત મેળવી શકશો નહીં.

આજકાલ બહુ ચગેલા ફ્યુઝન સંગીત વિશે આપ શું મંતવ્ય ધરાવો છો? પંડિત રવિશંકર અને યેહુદી મેન્યુહિનના ફ્યુઝન વિશે આપ શું કહેશો? 

પંડિતજીના ફ્યુઝનને ઘણું સ્વસ્થ ફ્યુઝન કહી શકાય. પરંતુ આજના સમયમાં ફ્યુઝન સંગીતને નામે જે સંગીત પીરસવામાં આવી રહ્યું છે તેની હું તદ્ન વિરુદ્ધ છું. ફ્યુઝન તો પ્રાચીન સમયથી થતું આવ્યું છે. દુનિયામાં સૌથી વધુ ફ્યુઝન આપણી વિવિધ સંસ્કૃતિઓમાં થયું છે. આપણે આજે જે કપડાં પહેરીએ છીએ એ પણ ફ્યુઝન જ તો છે! બાકી આપણે તો ધોતી કફની પહેરતા. નહીં? આમ, આ રીતે સંસ્કૃતિઓનું આદાન-પ્રદાન થતું જ રહ્યું છે. સંગીતની વાત કરું તો ફ્યુઝન હંમેશાં કર્ણપ્રિય હોવું જોઈએ, પણ જેને સાંભળીને તમારું મગજ ચકરાવે ચઢતું હોય એ ક્યારેય સ્વીકાર્ય નથી. આજકાલ તો ફ્યુઝનમાં સંગીતને નામે માત્ર શોર જ થાય છે. રવિશંકરજીએ જેટલા લોકો સાથે ફ્યુઝન કર્યું એ અત્યંત ઉચ્ચ કક્ષાનું હતું. કારણકે રવિશંકરજીએ તેમના સંગીત સાથે ક્યારેય બાંધછોડ કરી નથી. એમણે હંમેશાં રાગમાં જ વગાડ્યું અને પેલા લોકો પાસે પણ રાગમાં વગાડાવ્યું. હું આજના કલાકારોને સંદેશ આપવા માગું છું કે ફ્યુઝન સંગીત કંઈ ખરાબ નથી. પરંતુ તમારા સંગીતથી તમે કંઈક સારું આપી શકતા હો તો જ એના અખતરા કરજો, પોતાના મૂળ સંગીતના ભોગે ક્યારેય કશું કરવું નહીં.

આજે રિયાલિટી શૉના માધ્યમથી કલાકારો રાતોરાત સ્ટાર બની જવાની ઇચ્છા રાખે છે. આ અંગે તમારું શું કહેવું છે?

સંગીતમાં તમે જેટલી સાધના કરશો એટલા વધુ ટકી શકશો એ સાદુ ગણિત છે. પંડિત ભીમસેન જોષી, પંડિત રવિશંકર કે ઉસ્તાદ અલીઅકબર ખાં સાહેબ જેવા લોકો સાઠથી સિત્તેર વર્ષ સુધી ટકી રહ્યા અને પોતાના પદ પર કાયમ રહ્યા એની પાછળનું કારણ શું છે? આજકાલના લોકો તો આજે આવશે અને આવતી કાલે ખોવાઇ પણ જશે. એનું કારણ એ જ છે કે એમનામાં ધીરજ નથી અને તેમને કંઈક પામવાની ઘણી ઉતાવળ હોય છે. પરંતુ કોઈ પણ ક્ષેત્રમાં શોર્ટકટ નથી હોતો. તમારા પત્રકારત્વમાં પણ કોઈ શોર્ટકટ નથી. જ્યાં સુધી સોનું આગમાંથી પસાર નહીં થાય ત્યાં સુધી તેને સોનાની ઓળખ નથી મળતી એ પ્રકૃતિનો નિયમ છે. આથી સંગીતમાં વર્ષો સુધી ટકવું હોય તો લાંબી સાધના પણ કરવી રહી. અમે બંને ભાઈઓ પિસતાળીસ વર્ષથી ગાઇ રહ્યા છીએ પરંતુ અમે હજુ સુધી ક્યારેય પાછળ ફરીને નથી જોયું. બાકી અમને પણ હમણાં સુધી ઘણી લોભામણી ઓફર મળી છે. પરંતુ અમે એ બધી નકારી અને અમારી સાધનામાં રચ્યાં-પચ્યાં રહ્યા.

તમે ક્યારેય ફિલ્મોમાં ગાયું છે?

મેં અને સાજન બંને જણે ફિલ્મોમાં ગાયું છે. મેં ગિરીશ કર્નાડ અને જયા પ્રદાની ‘સૂરસંગમ’ નામની ફિલ્મમાં સંગીત આપ્યું છે. આ ફિલ્મમાં મેં દસથી વધુ ગીતો ગાયા છે, જેમાં મેં લતાજી અને કવિતા કૃષ્ણમૂર્તિ સાથે કામ કર્યું હતું. સાજન મિશ્રાએ પણ આ ફિલ્મમાં એક ગીત ગાયું હતું પરંતુ કોઈ કારણોસર તે ગીતને ફિલ્મમાં લઈ શકાયું ન હતું. આ ઉપરાંત અમરિશ પુરી માટે પણ મેં ‘વો તેરા નામ’ નામની ફિલ્મમાં બે ગીતો ગાયા હતા. તો બે વર્ષ પહેલા ઇલીયા રાજા માટે પણ એક ગીત ગાયું હતું. ફિલ્મોમાં અમે ગમે એવા ગીતો ગાઈ શકતા નથી. અમે હંમેશાં રાગ આધારિત ગીતો ગાવાનો જ આગ્રહ રાખીએ છીએ. જોકે આજકાલ ફિલ્મી સંગીત તૈયાર કરવાની પદ્ધતિ એકદમ બદલાઇ ગઈ છે. હવે તો કોમ્પ્યુટરમાં પહેલાથી જ સેવ કરી રાખવામાં આવેલા મ્યુઝિકને એરેંજ કરવામાં આવે છે. પહેલા લક્ષ્મીકાંત-પ્યારેલાલ જેવા સંગીતકારો તેમનું મ્યુઝિક તૈયાર કરવામાં દિવસોની મહેનત કરતા હતા, જ્યારે આજે આમતેમથી ક્યાંકથી ઊઠાવીને જરાસરખી જોડતોડ કરો એટલે સંગીત તૈયાર! કદાચ એટલે જ આજના ગીતો લોકો જલદી ભૂલી જાય છે. ‘મોહે પનઘટ નંદલાલ છેડ ગયો રે’ને લોકો આજે પણ યાદ કરે છે એનું કારણ શું? કારણકે આવા ગીતો તૈયાર કરવા પાછળ કલાકારોની મહેનત રહેલી હતી.■

તસવીરો- પ્રતીક ભાલાવાલા

No comments:

Post a Comment