Friday, November 4, 2011

વાત મેબલ,પારકા,વિકિ અને સોનુનીઃ


 હિમાંશી શેલત મારા પ્રીય વાર્તાકાર;એટલે એમનાં તમામ પુસ્તકો વાંચવાનો મારો ખાસ આગ્રહ!એમનાં લગભગ તમામ પુસ્તકો મળ્યાં પણ એમની બે સ્મરણકથા "વિક્ટર" અને "પ્લેટફોર્મનંબર ચાર" હુ મથીને મરી ગયો પણ ન મળ્યાં એ નજ મળ્યાં.પરંતુ અચાનકજ થોડા દિવસો અગાઉ "ક્રોસવર્ડ" માંથી કોલ આવ્યો કે ભાઇ તમે મહિનાંઓ અગાઉ લખાવેલાં બે પુસ્તકો આવ્યાં છે જે લઇ જાઓ,અને હુ મારતે ઘોડે ત્યાં પહોંચ્યો અને પુસ્તકો ઝબ્બે કરીને પરમ શાંતીનો અનુભવ કર્યો.અને ગણતરીનાં દિવસોમાં વાંચી પણ નાંખ્યા.
  
  મેં આગળ કિધુ એમ મારા પ્રીય વાર્તાકારોમાં પણ હિમાંશી શેલત મોખરે એટલે એમનાં વિશે કે એમનાં પુસ્તકો વિશે લખવાની બેહદ મજા પડે,પણ અહિંતો કથા માંડવી છે માત્ર "વિક્ટર"નીજ.સરસ મજાનું વાંચવા જેવુ અને વસાવવા જેવુ નાનકડુ પુસ્તક.અને એમાંય પ્રાણી પ્રેમીઓએ તો ખાસ!જોકે પુસ્તકની પ્રસતાવનાંમાંજ હિમાંશીબેન ધરાર લખે છે કે "પ્રાણીઓથી ડરતા કે એમની ઉપેક્ષા કરતા,એમના તરફ ટાઢાબોળ રહેતા સમુદાય માટે આ સામગ્રી નથી." એટલે હવે મારે એ વિશે વધુ લખવાની કે અભિપ્રાય આપવાની જરૂર નથી.
  
  પુસ્તક સાવ નાનુ અને એકી બેઠકે વાંચી જવાય એવુ અને એમાય પુસ્તકપ્રેમી અને પ્રાણીપ્રેમી સમુદાયને તો એ વિશેષ પસંદ પડે.જે વાંચતા વાંચતા આપણે સોફેસ્ટીકેશનની આડમાં ભુલી ગયેલાં નિર્ભેળ ધસમસતાં પ્રેમ અને નાનપણમાં આપણેય પ્રાણીઓ સાથે કરેલી ધિંગામસ્તીની યાદ આવે!આ પુસ્તક કોઇ કાલ્પનિક વાર્તાઓનો સંગ્રહ નથી પરંતુ એમાં તો વાત છે એક વ્યકતિની અબોલ પણ સમજુ(નિસ્વાર્થ!!) પ્રાણીઓ સાથે વિતાવેલાં સુવર્ણ સમયની.જે વાચતાં સ્પષ્ટપણે આપણને સમજાસે કે પ્રેમ કરવાનો કે પ્રેમ આપવાનો ઇજારો કંઇ આપણેજ નથી લઇને બેઠા,આપણાંથી કેટલીય વાતે ઊતરતાં પ્રાણીઓ પ્રેમની બાબતમાં
આપણાથી જોજનો આગળ છે.
  પુસ્તકમાં વાતની માંડણી થાય છે લેખીકાનાં ઘરમાં કોઇએ મોકલેલી ઊંચી ઓલાદની ત્રણ બીલાડીઓથી.એકતો પહેલેથી લેખીકાનાં ધરમાં ટીકો,નાની,શાણી,ટપ્પી અને પારકા નામધારી માર્જારટોળી હાજરા હજુર એમાં આ નવી ત્રણનું ઊમેરણ.અને એય પાછી ઊંચા કુળની!!જેને જોતાજ લેખીકા મોહિ પડ્યાં અને નામ રખાયાં મેબલ,રાશેલ અને થિયોડોર જેવાં ઊચી નસલને શોભે એવાં!પણ લેખીકાને ડર એ પેઠો કે ઘરનાં બીજા મોભી બીલાડાંઓ અને આ નવા નબીરાઓને એક બીજા સાથે પરવડશે કે કેમ??પણ લેખીકાનાં ભારે આશ્ચર્ય વચ્ચે તમામ બીલાડીઓએ સંધી સાધી અને એક-મેકમાં ઓતપ્રોત થઇ અને સાથે મળીને રહેવાનાં એક-મેકને કોલ આપ્યાં.(માણસની બાબતમાં કદાચ આવુ થવુ મુશ્કેલીભર્યુ હોત!)
  
  બીલાડીઓ ખુબ સ્વતંત્ર મિજાજી જીવ હોય છે.એ કુતરાઓની જેમ ધસમસતાં પ્રેમથી આપણને વળગી પડતી નથી.તેમજ બીલાડીને પોતાનું એકાંત બહુ વ્હાલુ હોય છે એમાં એને ખલેલ પરવડે નહિં અને પોતાની કેટલીક વાતો સાવ અંગત રાખે.પણ મેબલ સૌ બીલાડીઓમાં અપવાદ નીકળે છે અને અને પોતાની સુવાવડ લેખીકાએ નીયત કરી આપેલા સ્થળે કરે છે.હિમાંશીબેન મેબલને ઘરની દિકરી સમજે છે અને મેબલની પહેલી સુવાવડ વખતે પોતે પણ વ્યાકુળ થાય છે.મેબલને માટે કોઇક કારણસર "મર્સી કિલીંગ" નો આશરો લેવો પડેલો જેમાં તેનાં મૃત્યુનો દિવસ નક્કી કરતાં લેખીકા ભાંગી પડેલા અને એનાં માટે આંસુ સારેલા.મેબલનાં મૃત્યુનો કિસ્સો બેને પુસ્તકમાં અત્યંત કરુણરીતે આલેખયો છે.
       
    પુસ્તકનાં અન્ય પ્રકરણોમાં તેમનાં ઘરની અન્ય બીલાડીઓનાં રમુજ અને કરુણ કિસ્સાઓનું વર્ણન અત્યંત ભાવપુર્ણ આલેખાયુ છે જેમાં ક્યારેક વાચકને ભારે રમુજ તો ક્યારેક વાચકની આંખોનાં ખુણા ભીનાં થાય છે.ટીકાનામના તેમનાં બીલાડાનાં કાકડી પ્રત્યેનાં પોતાનાં પ્રેમ અને અસલ સુરતી લહેકામાં ગાઠીયાં ખાવાની વાત ખુબ રમુજપ્રેરક હોય છે.જ્યારે બીજી તરફ નાનુ નામનો તેમનો એક બીલાડો એક વખત અચાનકજ કોઇ પણ ચેતવણી વિના ઘરેથી ચાલી નિક્ળે છે ત્યારે વ્યાકુળ બનેલા લેખીકા તેને શોધવા ક્યાનાં ક્યા આંટા મારી આવે છે અને દિવસો સુધી નાનકાની કાગડોળે રાહ પણ જુએ છે.અને પારકા નામના માથાભારે અને ઘરમાં ગંદકી ફેલાવનાર બીલાડાંને જ્યારે તાપીને કાંઠે મુકવા ગયેલાં લેખીકા બહુ કઠોર મને ઘરે પરત ફર્યા હતાં.
   
 વચ્ચે લેખીકાનાં તમામ જીવો માટેનો પ્રેમ વિવિધ ઊદાહરણો વડે જોવા મળે છે અને પ્રણીઓ પર થતા જુલમો વિશે તેઓ લખે છે કે"પ્રાણીઓને ત્રાસ આપતા વિજ્ઞાનના પ્રયોગો દ્વારા ખુલ્લાં પડી ગયેલાં માણસનાં સ્વાર્થ અને જડતાથી હું તરફડતી રહી છું."  એક કિસ્સા વડે લેખીકાનાં સમસ્ત પ્રાણીજગત માટેનાં પ્રેમનું દ્ર્ષ્ટાંત મળે છે. જેમાં શ્યામલનામનાં રુઆબદાર ગુછ્છાદાર કાળા આકર્ષક બીલાડાને રમાડીને લેખીકા પોતાના ઘરે ચિત્તા અને દિપડા ન રાખી શકવાના અફસોસને ઓછો કરે છે.લેખીકાનાં પ્રાણીઓ પ્રત્યેનાં અપાર પ્રેમને કારણે ક્યારેક કાચબા તો ક્યારેક તુટેલી પાંખવાળુ પંખી તો ક્યારેક ભુલુ પડેલુ બકરીનું બચ્ચું તેમને ત્યાં આતીથ્ય માણી આવ્યાં છે. 
  
હિમાંશીબેન સુરતની ગજ્જરવાડીમાં રહેતાં ત્યારે તે જમાનામાં ત્યાં ઘણાં વાંદરાઓ ફરતા અને એ વાંદરાઓ સાથે રમવાની અને તેમને ખવડાવવાની લેખીકાને બેહદ મજા પડતી.એવોજ એક વાનરટોળીથી વિખુટો પડેલો વાનર હિમાંશીબેનની કોલેજમાં આવી ચડ્યો.અને હિમાંશીબેનનાં ચાલુ લેકચરમાં એક બેન્ચ ઉપર ગોઠવાયો.એને જોતાજ પ્રાણી પ્રેમી અધ્યાપીકાએ એનુ બાબુરાવ એવુ નામકરણ કર્યુ!!!બસ, પછી તો એની લેખીકા સાથે જામી અને લેખીકાની રોજ કોલેજ આવાની બાબુરાવ રાહ જોવા માંડ્યો.લેખીકા પણ પોતાના પર્સમાં બાબુરાવમાટે શીંગ-ચણા લાવવાનાં ભુલે નહિ.જોકે બાબુરાવ પણ એક દિવસ લેખીકાને આંચકો આપી ઓચીંતોજ ક્યાંક ગુમ થઇ ગયેલો..
   
      એક દિવસ એક દેશી કુતરો ફરતો ફરતો હિમાંશીબેનને બારણે આવી ચડ્યો,આગંતુકને જોઇને યજમાન ખુશ થયાં અને 'આવો,ભલે પધાર્યા' કરી આવકાર આપ્યો અને ભારે આગતા-સ્વાગ્તા કરી.બસ આગતુંકનેતો ત્યાંજ ફાવી ગયુ અને બેનને ત્યાંજ તબું નાખ્યાં.એના લાલ રંગને કારણે નામ પડ્યુ લાલુ.પણ લાલુનુ વર્તન એવુ કે એનો લાલિયોજ કહેવો પડે.રખડતાં લાલિયાને નવા ઠેકાણે માત્ર ખોરાકજ નહિ પણ અઢળક પ્રેમ પણ મળ્યો એટલે લાલિયાભાઇ તો મેડમની આગળ-પાછળ ફરે.રમુજ તો ત્યારે થાય છે જયારે એક દિવસ લાલિયો મેડમની કોલેજ શોધી કાઢે છે અને મેડમનો ક્લાસ ચાલતો હતો ત્યાં પહોચી જઇ મેડમની સાથે સ્ટેજ ઊપર રજવાડીઠાઠથી ગોઠવાય જાય છે.પછીતો લાલિયાભાઇ દરરોજ મેડમ સાથે કોલેજ જવાની જીદ આદરે અને કોલેજમાં મેડમનાં કુતરાનુ બિરુદ પામે છે.અને લાલિયો આ ક્રમ પોતે જીવે ત્યાં સુધી ચાલુ રાખે છે.તેનાં ગયા બાદ કોલેજ જતી વખતે મેડમની નજર અમસ્તીજ પાછળ ફરી વળે છે 'લાલિયો પાછળતો નથી ને??'
     
   સુરતનાં વસવાટ દરમ્યાન લેખીકા પોતાનાં ઘરે એક આલ્સેશિયન કુતરો લાવે છે.જેનાં વિશાળ કદ ને કારણે તેનુ નામ લિયો રાખવામાં આવે છે.જેને પણ લેખીકા સાથે ભારે માયા!!થોડા વર્ષો બાદ લેખીકા અબ્રામા આવી ગયાં ત્યારે બંન્ને પક્ષે વ્યગ્રતા થાય છે.અને લેખીકા લખે છે કે કેટલીય વખત તેઓ લિયો ને કારણેજ સુરત જાય છે, અને ત્યારે લિયોનો પ્રેમ શબ્દમાં મુક્વુ તેમને મુશ્કેલ લાગે છે.તેઓ એમ પણ નોંધે છે કે તેઓ જ્યારે પરત ફરતા ત્યારે લિયોની આંખમાં ઝળઝળીયાં પણ દેખાતા!
     
   સખ્ય(અબ્રામાં)મા આવ્યા બાદ તેમને પહેલો મિત્ર મળે છે જોલી.લેખીકા ફરવા નિકળે છે ત્યાં એક માજાનો કુતરો તેમને મળે છે અને તેનાં મળતાવડા સ્વભાવને કારણે એનુ નામ જોલી પડે છે.જોલી બે-અઢી મહિનાં તેમની સાથે ગાળીને ક્યાંક ગાયબ થઇ જાય છે.પાછળથી ખબર પડે કે જોલી તો કોઇનો પાળેલો કુતરો હતો.એટલે લેખીકા થોડા નિરાશ થાય છે પણ જોલી સમયાંતરે લેખીકાની મુલાકાત લેવા તેમનાં ઘરે આવે છે અને પોતાનાં પ્રેમનો પરીચય કરાવે છે.આ દરમિયાન રામુ-રાજુ-મોતી વગેરે કુતરાઓ પણ લેખીકાનાં જીવનમાં રંગો પુરે છે.
   
   હવે વારો વિક્ટર્નો,જેણે લેખીકાને પોતાનાં ભરપુર પ્રેમનાં ધોધમાં તરબોડ કર્યા.વિક્ટરને જ્યારે હિમાંશીબેન ધરે લાવે છે ત્યારે તેઓ લખે છે કે "સક્ષાત આનંદ અને ઉષ્માએ અમારે ત્યાં ચાર પગે પ્રવેશ કર્યો." તેમજ "વિકીએ અમારા મકાનને ઘરનો દરરજો આપ્યો." શું શબ્દો છે??કોઇ માણસ કોઇ અન્ય જીવને આટલી હદે ચાહી શકે??અહિ નિયતી એક અણધાર્યો પલટો લે છે અને વિકટરનુ એક અકસ્માતમાં મૃત્યુ થાય છે.જે ઘટનાની હિમાંશીબેન ઊપર ઘેરી અસર થાય છે અને તેઓ ઊંડા દુખમાં ગરક થાય છે.કોઇ પ્રાણીનાં મૃત્યુબાદ આવા શોકમાં ગરક થતી મે મારા જીવનમાં પહેલી વ્યક્તિ જોઇ.વિકટરને દફનાવી આવ્યા બાદ લેખીકાની વ્યથા એમનાંજ શબ્દોમાં"એને ભોંયમાં પોઢાડી ઉપર માટી વાળી ત્યારે ભીતર હાહાકાર વ્યાપી ગયો.ખુબ ચાહતો હતો એ મને જુવાનજોધ દિકરો ફાટી પડ્યાની દાહક વ્યથા લઇ ઘેર આવી હતી એ દિવસે."  
    
   અંતે આવ્યો સોનુ.સોનુ પણ લેબ્રાડોર નસલનો કુતરો.જે આમ થોડો શરમાળ પ્રકૃતિનો પણ લેખીકાનો અત્યંત પ્રીય.(હાલમાં સૌથી નજીક પણ)સમજણની બાબતમાં સોનુ માણસને પણ ગાંઠતો નથી એમ લેખીકા માને છે.હિમાંશીબેનનાં અન્યો પ્રાણીઓને તો નહિ પરંતુ સોનુને મળવાનું સૌભાગ્ય મને સાંપડ્યુ છે.અને એય ત્રણ-ત્રણ વાર!!આપણે એમનાં દિવાનખંડમાં વાતો કરતા હોઇએ ત્યારે સોનુ પણ ત્યા આવીને બેસે અને પોતે પણ આપણી વાતમાં સામેલ હોય એમ દરેક વાત ધ્યાનથી સાંભળે.
     
   આમ આ પુસ્તકમાં પ્રાણીમાત્રનો માણસ ઊપરનો પ્રેમ છતો થાય છે જ્યારે આપણે કહેવાતા બુધ્ધીજીવીઓ પ્રાણીઓની અને અન્ય તમામ જીવોની ઘોર ઉપેક્ષા કરીએ છીએ.એક તરફ આપણે પ્રેમ પામવા આંધળી દોડ મુકી છે જ્યારે બીજી તરફ આપણીજ આસપાસ રહેતા અને આપણ સદૈવ પ્રેમ કરવા તત્પર જીવોની નોંધ સુધ્દ્ધા નથી લેતાં.કેટલાય આલીશાન બંગલાઓમાં કુતરા રાખવામાં આવે છે પરંતુ એ માત્ર પોતાનાં માલ-મલીદાની રક્ષા ખાતરજ.જ્યાં બારણે 'કુતરાથી સાવધાન'નું બોર્ડ મારેલુ હોય છે. આ પુસત્કનાં લેખીકાતો ઘરોની બહાર લટકાવેલા એવા પટિયાની પણ વિરુધ્ધ.
  
   અંતે સો વાતની એક વાત."વિકટર" વાંચવા જેવુ અને વસાવા જેવુ પુસ્તક.. જે વાંચતાં-વંચતાં પ્રાણીઓ પ્રત્યેની આપણી સૂગ અને દ્રષ્ટી બદલાશે.અને આપણે જીવવાની ચૂકી ગયેલાં રંગબેરંગી ક્ષણો ફરી જીવવાનુ મન થશે.

Tuesday, October 18, 2011


એટલેજ મને સંબંધો ફાવતા નથી
કારણકે,
બજારમાં મળતી
સસ્તી અને વધુ પડતી ગળી મિઠાઇઓની જેમ
કેટલાક સંબંધ પણ હદથી વધુ મીઠા અને સસ્તા હોય છે
અને
મિઠાઇઓની જેમજ
સંબંધ ઊપર પણ વિવિધ વરખો ચઢી હોય છે.
જે શરુઆતમાં આકર્ષક લાગે
પણ ધીમે-ધીમે
વરખનું રૂપાડુ પળ ઉખડવા માંડે
અને એની અંદરની કદરુપતા છતી થાય!
એની સાથો-સાથ  આપણી અંદર પણ કંઇક ઊખળે છે.
અને આપણે પણ છોલાઇએ છીએ
સરવાળે દુઃખી થવાનું આપણે પક્ષેજ આવે
એટલેજ મને સંબંધો ફાવતા નથી.

Sunday, August 21, 2011

તો તમે અન્ના નથી



જો તમે હજુય હેલ્મેટ ન પહેરવાનાં ગૂનામાં
પાંડુને પચાસની પત્તી પકડાવો છો
તો તમે અન્ના નથી.
જો ટ્રેનમાં સાદી ટીકીટ લઇને T.Cને લીલીનોટ
આપી રિઝર્વેશનમાં બેસો છો
તો તમે અન્ના નથી.
જો તમે મંદિરોમાં V.I.P લાઈનનાં નામે
પૈસા આપી સિધો પ્રવેશ મેળવો છો
તો તમે અન્ના નથી.
જો R.T.Oનાં દલાલોને પૈસા આપીને
ટેસ્ટ આપ્યા વીનાં લાઇસન્સ મેળવો છો.
તો તમે અન્નાં નથી.
અને માત્ર પ્રસિધ્ધી ખાતરજ રેલીઓ કાઢીને
રસ્તાઓ પર "મે અન્ના હુ"ના નારા લગાવો છો
તો તમે અન્નાં નથી.
                     

Saturday, August 13, 2011

અટકળ


 રાત પડે અને વિચારો એનો ભરડો લે,અજગરની જેમ એને ભીંસમાં લે.અલાઊદિનનાં જાદુઇ ચિરાગ માંથી ધુમાડો નિકળે અને પછી જીન નિકળે એમ એક પછી એક વિચારો એનાં મનમાં ઉદભવે!!વાત એકજ પણ વિચારો અનેક!આખરે શું બીના બની હશે?અને સાચી વાત શું?અમસ્તોજ કોઇનો પગ લપસી જાય?અને પચાસ-સાઠ લોકોમાં માત્ર એની સાથેજ આવુ થાય?
   મારે એનાં રુમની સરખી તપાસ કરાવવી જોઇતી હતી.કદાચ કોઇ સ્યુસાઈડનોટ લખી હોય અને ટેબલનાં ડ્રોઅરમાં કે કોઇ પુસ્તકમાં એ કાગળ મૂકયું હોય? પણ ત્યારે એવું વિચારવાની મારી કોઇ હાલત હતીજ કયાં?જુવાન જોધ દિકરી મૃત્યુ પામે તો એનાં મા-બાપ કંઇ હોશ-હવાસમાં હોય???કે દિકરીનું શબ પડ્યું હોય અને મા-બાપ તપાસની માથાઝીંકમાં પડે?? હવે તો ધણુ મોડુ થઇ ગયું.હવે તો એની રુમમાં એની જગ્યાએ કોઇક બીજી એના જેવીજ છોકરી આવી ગઇ હશે.
   થોડા વિચારો બાદ એનુ મન ફરી બીજી દિશામાં ફંટાઇ જાય અને બીજા તર્કોમાં પડે.એનું ખૂનતો થયુ નહિ હોય ને?કોઇએ પાછળથી ધક્કો મારી દિધો હશે અને આખી વાતને અકસ્માતમાં ખપાવી દિધી હશે.કોઇએ વેર વાળ્યું હશે આગળ પાછળનું.આમેય છોકરી પણ બહુ આઝાદ પહેલેથી,નાનપણથી બરખા દત્ત જેવી જર્નાલિસ્ટ થવાનાં સપના જોતી.સ્ત્રી શોષણ અને સ્ત્રી સશકિતકરણ જ વાતો હર હંમેશ, અને એટલેજ ઊપરવટ થઇને ગઇ જર્નાલિઝમ કરવાં.કયાંક કંઇ કાળુ-ધોળુ ભાળ્યું હશે અને એને ઊઘાડુ પાડવાની ચાનક ચડી હશે જેમાં એનું કોઇએ ઢીમ ઢાળી દિધું.રાક્ષસોને તો બધુ પરવડે,એમાં એક મુઠ્ઠીભર હાડકાની છોકરીને પતાવવાની એટલેતો ડાબા હાથનો ખેલ!
   ના પાડી હતી મે પરેશને.એકની એક દિકરી છે,આટલે દુર નથી મોકલવી.આમેય એનો સ્વભાવ ઊગ્ર,રસ્તામાં કોઇ માણસ કુતરાને ફટકારે તો એની સાથે લડવા બેસે એવી.વેચાતી બબાલ માથે લેવાની એને ટેવ.એમાં આટલે દુર મોકલાય? ગ્રેજ્યુએટતો થઇ,હજુ કેટલુ ભણાવવાની?ક્યાંય નથી મોકલવી છાતી ઊપરજ રાખવી છે.
    ...પણ મારી વાતમાં સમજે એ બીજા;આ બાપ-દિકરી નહિ!લઇ આવ્યાં એડમિશન અને પોટલાં બાંધીને નિક્ળ્યાં બરખા દત્ત બનવાં...
   આપઘાત કર્યો હશે એણે??પણ એ કંઇ એવી પોકળ ન હતી કે સામે ચાલીને મોતને શરણે જાય.નિડર હતી મારી દિકરી!સમસ્યાની સામે લડત આપીને એનાં તળીયાં સુધી એ પહોંચતી.એમ અડધે રસ્તે નમતુ ના જોખે.પણ કદાચ આપઘાત કર્યોય હોય તો?છોકરી આમ હતી સાવ અલ્લડ પણ આમ ખુબ સંવેદનશીલ.કંઇક એવુ બન્યુય હોય જે જીરવી ન શકી હોય.પણ એવી કઇ વાત હોઇ શકે જે આવી નિડર છોકરીને આપઘાત કરવા પ્રેરે??
    ક્યાંક કોઇ લફડુ?પ્રેમભંગ કે જુવાનીનાં જોશમાં લેવાય ગયેલુ કોઇ આડુ-અવળું પગલુ?? છીં છીં મારુ સંતાન આવુ તો નજ કરે.મારા એવા સંસ્કારજ નહિને!અને કદાચ એવુ કંઇ થયુ પણ હોય તો એતો સાવ ખુલ્લી બાજી રમનારી છોકરી!ઢાંક પીછોળા એને આવડેજ નહિ.અને આવી કોઇ બાબત તો એને મન કોઇ નજીવી વાત,એમાં કંઇ એ મોત વહાલું કરે નહિ.
   એનાં મરવાનાં બે દિવસ અગાઊજ એનો ફોન આવેલો.ત્યારે એમની વચ્ચે થએલી વાત એણે ફરી એનાં મગજમાં દોહરાવી જોઇ.ક્યાંક કોઇ કારણ મળે???
   'ડેડા મારુ નેશનલ ન્યુઝચેનલમાં પ્લેસમેંટ થઇ ગયુ છેએએએ....'ત્યારે એ પરેશની બાજુમાંજ બેઠેલી.અને દિકરી ખુબ ખુશ જંણાતી હતી.
   'એમ??!!કોંગો...કોંગો...આખરે તારી જીત થઇ,તે કરી બતાવ્યું.મારી દિકરી હવે રિપોર્ટિગ કરશે અને એ પણ નેશનલ ન્યુઝચેનલ ઊપર......વાહ..વાહ..આનંદો.' બંન્ને બાપ-દિકરી ઊછાળા મારતા હતાં.એને પણ ખુશી થઇ.
   'યાહ ડેડા..'
   'બેટા એક વાર બોલી બતાવને.. જો તારે રિપોર્ટ કરવાનો હોય તો તુ કેવી રીતે કરે??'
   "આજ ફિર દહેજકી આડ મેં એક યુવતીકો જલાયા ગયા..આખીર ક્યું? સરકાર ઇસ દિશામેં કોઇ ઠોસ કદંબ ક્યુ નહિ ઊઠા રહિ?? ક્યાં સભી કાયદે પન્નો પરહિ રહેગેં? આખીર કબ-તક ચલેગા યે સબ?ઓર કિતની ઓર જાને જાયેગી યે દહેજકિ આગમેં દેખનાં રહા..ગુજરાતસે નંદિની પરેશ ભટ્ટ કીં રિપોર્ટ."
   'અરે વાહ મેરી જાન વાહ..કહેવા પડે જા..લે વાત કર તારી ભવા સાથે.' અને પરેશે એને ફોન આપેલો. એની દિકરી એને ભવા કહેતી.નાની હતી ત્યારે પરેશ એને ભાવના કહેતો તે સાંભળતી અને એનુ સાંભળી સાંભળીને એંણે એનુ ભવા કરી નાંખેલુ.
   'હેય ભવા,મજામાં?'
   'એકદમ મજામં.. તારુ કેમ?'
   'હુ તો એકદમ ખુશ ભવા... આખરે હુ સફળ થઇ'
   'હા બેટા,એને માટે તને ખુબ-ખુબ અભિનંદન.અને સાથો સાથ મંગલ ભવિષ્યની શુભકામનાંઓ.'
   'થેંક્યુ ભવા.અને હા સાંભળ પરમ દિવસે અમે કોલેજમાંથી ટુરમાં જઇએ છીએ,માઊન્ટઆબુ જઇએ છીએ અમે બધા.હવે કોલેજની આ લાસ્ટ ટુર પછી પરિક્ષાઓ હશે અને પછી કોણ કયાં હોય એનો કોઇ પત્તો નહિ,એટલે પરિક્ષા પહેલાંજ જવાનુ નક્કિ કર્યુ.અને પછી રિડિંગ વેકેશન છે એટલે ત્યાંથી સીધી ઘરેજ આવીશ.'
   'હા વાંધો નહિ... અને સાંભળ, તું..'
   'અરે ભવા આપણે પછી વાત કરીશું,મારે થોડું કામ છે.હુ તને પછી ફોન કરું,પ્લીઝ બાય...' અને લાઇન કટ.
   અરે!ખરી છે આ છોકરી તો!વાવાઝોડુ જેવું આવે અને ઘડિમાં નિકળી જાય.મારી વાત પણ આખી ન સાંભળી.એવુ એ ત્યારે બબડેલી.
   ....તો એની વાત ઊપરથી તો એવુ કશું જણાતું ન હતું કે એ જરાય દુખી હોય કે વિચલીત હોય.એ તો હંમેશની જેમજ હતી,તાજગી અને તરવરાટથી ભરેલી છલોછલ!માણસ જો કોઇ આપત્તિમાં હોય તો એનાં અવાજમાં થોડી નરમાશ હોય.પણ એની વાતોમાં તો એવુ કંઇજ જણાતું ન હતુ.તો આપઘાતનું તો એવુ કોઇ કારણ જણાતુ નથી.
   અને બે દિવસ પછીતો પરેશ ઊપર એની કોલેજમાંથી ફોન આવેલો કે તમારી દિકરીનું ભેખડ ઊપરથી પગ લપસી જવાને કારણે મોત થયુ છે.અને અમે તાબતોડ પહોચેંલાં.
   તો આખરે સાચુ શું??? અકસ્માત-આપઘાત કે ખુન??? જાણવુ તો જોઇતુજ હતું.પૈસો નાંખતે તો માલુમ પડતે.તપાસ સરખી કરાવવી જોઇતી હતી, પણ પરેશે ઢીલ છોડેલી.
   -હવે શું ભાવના?? દિકરી તો ગઇ જ ને??? તપાસ કરાવવાથી આવશે પા્છી?

   અને પછી વાત પર પડદો પડી ગયેલો.
   પણ સાલુ આખરે બનેલુ શું?? ફરી એજ વિચાર!એ થોડી સળવળી;પથારીમાં પડખુ ફેરવ્યું.આંખોને સજ્જડ બંધ કરી અને ઊંઘવાનો પ્રયત્ન કર્યો.પણ પેલો "આખરે બનેલુ શું?" નો વિચાર એનો પીછો છોડતો ન હતો.
   એ પથારી માંથી ઊભી થઇ,ડ્રોઇંગરુમ માંથી ટીવીનો ઝાંખો પ્રકાશ આવતો હતો.પરેશ બીજા દિવસની સવાર મોડી થાય એટલા માટે મોડે સુધી ટીવી જોતો.એણે લાઇટ ઓન કરી અને કબાટમાંથી એક ગોળી કાઢી અને પાણી સાથે ગળે ઊતારી.ફરી લાઇટ ઓફ કરીને પથારીમાં પડી અને અને એનાં વિચારોને આવતી કાલ સુધી આરામ આપ્યો.

 
 

Tuesday, June 14, 2011

પાંચ હાઇકુ


રોજ સવારે
સુરજ ધરતીને
કેમ છે કહે


ડુબતો સુર્ય
નારીના લલાટનાં
ચાંદલા જેવો


નાનુ શહેર
કોચલામાં પુરાતુ
સાંજની વેળે


કવિતા જાણે
જીવનનો પર્યાય
કવિ માટેતો


કરીને પ્રેમ
રોજ જાણે રિચાર્જ
થાય માણસ

Wednesday, May 4, 2011

ત્રણ બ્રેક-અપ કાવ્યો


વસવસો

એ દિવસે
હું રોજની જેમજ
૯.૪૫ની ઇન્ટરસીટીનાં પાસ હોલ્ડરમાં
મારી પ્રીય બારી પાસે બેઠો હતો.
અને એણે ફોન કરીને
મને શબ્દોનો તમાચો મારેલો.
-હવે બધુ પુરુ
હું આપણા થોડા મહિનાઓના સંબંધને કારણે
મારા વીસ વરસનાં લોહિનાં સંબંધોને દાવ ઉપર ન લગાવી શકું.-
અને પછી
ફોન લાઇન કટ થઇ ગયેલી.
હું આભો બનીને સાંભળતોજ રહિ ગયો,
કંઇ રિએકટ પણ ન કરી શક્યો!!
માણસની નાલાયકી વેઠવાનો
પહેલોજ પ્રસંગ હતો મારે માટે તો!
પણ હું લોકોથી ઘેરાયેલો હતો.
બધું નોર્મલ છે એવો અભિનય મારે કરવો પડ્યો,
સાચ્ચે, મને ત્યારે
સ્ત્રી ન હોવાનો વસવસો થયો.




ગાંઠ

પછી તો
કોઇ સ્ત્રીનાં
ગર્ભાશયમાં થયેલી ગાંઠ જેવો
થઇ ગયો હતો સંબંધ આપણો!
સાવ નકામો-વજનદાર અને પીડાદાયી.
પછી? પછી શું??
બધી ગાંઠોની જેમ
એને પણ કાઢી નાંખીને,
ફેંકી દેવામાં આવ્યો.
જડમૂળ માંથી!!
પણ હજુય
બધી ગાંઠોની જેમ
અંદર હળવાશ નથી અનુભવાતી
પણ
વજન અને વેદનાં બંન્નેનું પ્રમાણ વધ્યું છે!




????

વધુ પડતી મોંઘવારી
અને ઓછા પગાર
તેમજ
વધી ગયેલાં દેવાને કારણે
પોતાનું ગુજરાન ન ચલાવી શકનાર
પેલાં હિરાનાં કારીગરની જેમ,
આપણે પણ
આપણી સંબંધ-લીલા સંકેલી લીધી.
પણ આ વિસર્જનને
કહેવુ શું?
આત્મહત્યા કે હત્યા??



Thursday, April 14, 2011

અછાંદશ


નવજાત શીશુની
નાળ કાપી નાંખવામાં આવે
એમ
આપણે કાપી નાંખ્યો હતો
સંબંધ આપણો.
તું બધુ ભુલી શ્ક્યો અને ફગાવી પણ શ્ક્યો!
પણ,
મારામાં હજુય કંઇક જીવે છે
શરીર ઊપર રહિ ગયેલાં કોઇ લીલા કોશની જેમ!
જેમાં મને રહિ રહિ ને ખરજ આવે છે
અને
હું
ખોતરું છું બધુ રહિ રહિને.
અને ઉખેળુ છું બધા પોપળા.
અને થાઉં છું દુઃખી
આખરે
વિનાં વાંકે ભોગવવાની અને વેઠવાની આદત
અમને હાથવગી હોય છે.
સદીઓથી અમે એમજ તો કર્યુ છે!!!

Saturday, March 5, 2011

પાંચ હાઇકુઃ થીમ-"બા"


બા આખેઆખો
પરીઓની વાર્તાનો
ખજાનો જાણે



ડુમો બાઝે જો
ગળે તો સરી પડે
બા આંખ માંથી



સાંભળુ હજુ
હાલરડું ક્યારેક
બાનું ઊંઘમાં


રાહ બનીને
ડોકાતી બા ક્યારેક
મારી આંખમાં


મૃત્યુ પામી બા
બાળપણનો મારા
સુર્યાસ્ત થયો
        

Friday, March 4, 2011

છોકરો ઝુલે હિંચકે

છોકરો ઝુલે હિંચકે અને મનમાં
           એક છોકરી ઝોલા ખાય,
મૂછનેતો ફૂટ્યાં હજુ બે-ચાર ત્યાં
         જવાનીનો ઉત્સવ ઊજવાય!
જુલમ કરી મન પરોવે ચોપડીમાં
         પણ જીવ છોકરીમાં અટવાય.
માળા એ જપે રોજ એનાં નામની
        ને એના નામનાજ કિર્તન થાય.
કરે એ કલ્પનાંઓ જાત-જાતની,
        મનમાં રોજ નવુ નાટક ભજવાય.
આસ્થા બંધાઇ એને તો કૄષ્નમાં
        રાધા મિલનની માનતા મનાય.
ર.પાની એ વાંચે રોજ કવિતા
        અને મનમાં ને મનમાં હરખાય.

Monday, February 21, 2011

બાને....


હવે
તારા ઓરડામાં
પગ મૂકુ છું ત્યારે
કોઇ વિશિષ્ટ ગંધ આવતી નથી,
તારી દવાની શીશીઓ-ટીપોઇ-પલંગ
અને તારુ કબાટ
કંઇ રહ્યુ નથી ત્યાં હવે તારુ!
જાણે
બધુજ તારી ચિતાનાં તાપમાં
ઓગળીને નષ્ટ થઇ ગયુ!!
પણ કોણ જાણે કેમ??
તું હજુ પણ ઓગળતી નથી
મારા મન માંથી....

Monday, February 7, 2011

બે અછાંદસો


પાણીપૂરીની લારી ઉપર
કોઇક ભિક્ષુક
એમજ
ખાવાનાની માંગણી કરે
જેમ
આપણે ઇશ્વર પાસે
સુખ-સ્વાસ્થય અને શાંતિ માંગીએ
પણ
આપણુ માંગેલુ એ પ્રાર્થના કહેવાય
અને
એનું માંગેલુ
ભીખ???!!!

*************



લગનનાં વરઘોડામાં
માથે
ઝુમ્મર લઇ ફરતી ઓરત
રાત્રે
વરઘોડો પુરો થયે
ઘેર આવી
ત્યારે
એનુ બાળક
સાંજે બાપનો માર ખાઇને રડીને
ભુખ્યાં પેટે
અંધારામાં
ઢુંઢીયું વાળીને સૂતુ હતું.......


Wednesday, January 26, 2011

જરા યાદ ઉંન્હેભી કરલો......




       આજથી એક દાયકા અગાઉ ૨૬ જન્યુઆરી ૨૦૦૧નાં રોજ એક તરફ સમગ્ર દેશમાં અને રાજ્યમાં પ્રજાસતાકદિન ઊજવાય રહ્યો હતો અને એક તરફ સવારે ૮-૪૬ કલાકે ગુજરાતની અને એમાંય કચ્છની ધરણી ૭.૬થી૮.૧ની તીવ્રતાથી ધણધણી હતી.જેનુ એપી સેંન્ટર ભચાઉથી ૧૬ કીમિ દુર આવેલાં ચોબારી પાસે હતું.હજુ લોકો શું થાય છે?અને શું થઇ રહયું છે એની ગણતરી માંડે છે ત્યાંતો સેંકડો મકાનો પત્તાંના મહેલની જેન જમીનદોસ્ત થયાં અને હજારો લોકો કાળનો કોળીયો બની ગયાં.
     ગણતરીની મિનીટોમાં દેશનું અને વિશ્વનું ધ્યાન કચ્છ ઊપર કેન્દ્રિત થયું.લોકો તાગ પામી ગયા હતાં કે આ નૂકશાની કોઇ જેવી-તેવી ન હતી.ભૂકંપની બીજીજ ક્ષણથી વીજળીનો પરવઠો અને સંદેશાવ્યવહાર ઠપ્પ થઈ ગયો અને આપણી જ્યાં નજર પડે ત્યાં અત્ર-તત્ર-સર્વત્ર રણ કે પાણી નહિ પણ કાટમાળ અને લાશોના ઢગલાં દેખાવા માંડ્યા હતાં.કાળે માણસની સણસણતી થપાટ મારી હતી.જ્યાં જુઓ ત્યાં વિશાળકાય મકાનોનાં અને ચગદાઇને રટલો બની ગયેલી માનવલાશો જ દેખાય.કોઇએ પોતાનું મકાન ખોયુ તો કોઇએ પોતાની મા તો કોઇએ શાળામાં ધ્વજવંદન કરવા ગયેલી પોતાની વહાલસોઇ દિકરી ખોઈ હતી.અને જે જીવી ગયા હતા એ જાણે મરવાનાં વાંકે જિવતા હતાં!
     જોતજોતામાં માણસની જાત સાવ લાચાર અને નિઃસહાય બની ગઇ હતી.આખરે કુદરત આગળ આપણું ચાલે પણ શું?સમગ્ર દેશમાંથી અને વિશ્વમાંથી રાહતો આવી,ધાબળા-કામળા-કપડાં-અનાજ-દવા વગેરેની ટ્રેનોની ટ્રેનો અને વીમાનો કચ્છ ઉતરી પડ્યાં.થોડાજ કલાકો પહેલાં જે માણાસ લક્ષાધીપતી હતો એ ખોરાક માટે લાઈનમાં ઉભો હતો.રહત કાર્યો પુરજોશમાં શરુ થયાં અને મેદાનો છાવણીમાં પલટાયાં અને કેંમ્પો શરુ થયાં અને સરકારે અને લોકોએ કચ્છને બેઠું કરવામાટે કમ્મર કસી.
     લોકોને હવે ધીરે-ધીરે સમજાવા માંડ્યુ હતુ કે આ રડવાનો નહિ પરંતુ લડવાનો વખત છે.શૂન્યમાંથી સર્જન કરવાની પ્રક્રિયામા માણસ મને કે કમને જોતરાય ગયો હતો.ઉધ્યોગો,રોકાણકારો સરકારની મદદ અને કચ્છીમાંડુંઓની કુનેહને કારણે કચ્છ ફરી ઉભુ થયું.રુઆબભેર!!અને એનાંજ પરીણામે આજે કચ્છમાં પોતાની યુનિવર્સિટી, નવી અનેક કોલેજો,બ્રોડ્ગેજ ટ્રેનો, સારા રસ્તાઓ,નવીનતમ બંદરો અને એરર્પોર્ટ છે.એક દાયકામાં એણે હરણફાળ ગતી કરી અને વિશ્વની આગળ ગુજરાતીઓની કુશળતા અને ખમીરીનો એક દાખલો કાયમ કરી દિધો.આમેય માણસની જાતને પીપળાનાં ઝાડની જેમ રહિરહિને મૂળિયાં જમીનમાં ખોસવાની અને વિકસવાની આદત છે.

શ્રધ્ધાંજલી:

આગલી રાત્રે જેમને સપને પણ ખ્યાલ ન હતો કે આવતી કાલે અમારુ કમોત થવાનું છે એવાં મૄતકોને..................


Friday, January 14, 2011

ચાલ જરા ઊડી લઇએ




ચાલ જરા ઊડી લઇએ; મળ્યો છે આજે  મોકો,
આભમાં રંગોળી પુરવાનો આ પર્વ ઘણો અનોખો.
   ચિંતા,વ્યગ્રતા અને બીજુ બધુય;
   નીચે મુકી આપંણ ઊપર  ઉડિએ,
   ક્ષણનુંજ જીવન ને ક્ષણનો આનંદ
   મન મૂકીને આભે આજે વિહરીએ.
હું બનું તારો  પતંગ અને બન તું મારો ધાગો.
ચાલ જરા ઊડી લઇએ; મળ્યો છે આજે  મોકો.
    લઇએ થોડી ખેંચ અને પેંચ
    ને કરીએ થોડી ધીંગા મસ્તી
    આભનેય થોડું  સારુ લાગશે,
    એને પણ થોડી લાગે વસ્તી.
ચાલ  ખૂંદીએ જરા આપણે આભનો આજે ખોળો
ચાલ જરા ઊડી લઇએ; મળ્યો છે આજે  મોકો,